નવા સત્રથી એકમ કસોટી બંધ બાબતે નિર્ણય

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(2020)નો એક મોટો ફાયદો ગુજરાતભરની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભણતાં લાખો વિદ્યાર્થીઓને મળશે. શાળાઓ દ્વારા લેવાતી ‘એકમ’ કસોટીઓ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ કસોટીઓ છેલ્લા 6 વર્ષથી અઠવાડીક, પખવાડીક અને માસિક એમ ત્રણ વખત લેવામાં આવે છે. આ તમામ ટેસ્ટ આગામી જૂનથી શરૂ થનાર શૈક્ષણિક સત્રથી બંધ થશે. આ નિર્ણયનો અમલ રાજ્યની 40,000થી વધુ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં લાગુ પડશે. જેને કારણે લાખો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ‘ભાર વિનાના ભણતર’નો અહેસાસ માણી શકશે.

હાલમાં જો કે આ મુદ્દો કમિટીએ કરેલી ભલામણના સ્તરે છે. પરંતુ ખુદ શિક્ષણમંત્રી કુબેર ડીંડોરએ જાહેર કર્યું છે કે, નવી એસેસમેન્ટ મેથડોલોજી જૂન-2025થી દાખલ કરવામાં આવશે. આ નવી પ્રથા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકારે આ ફેરફાર માટે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં એક કમિટી રચેલી.

અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા 6 વર્ષથી આ બધી કામગીરીઓ ગાંધીનગર કક્ષાએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર હસ્તક થાય છે. નવી વ્યવસ્થાઓ આવતાં હાલમાં શિક્ષકો પર જે વધારાની કામગીરીઓનો બોજ છે તે પણ ઘટી જશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, હાલની આ એકમ કસોટીના સ્થાને, એસેસમેન્ટ માટે જે નવી વ્યવસ્થાઓ આવશે તે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સુસંગત હશે. હાલની એસેસમેન્ટ પદ્ધતિનો શિક્ષકવર્ગમાં ઘણાં સમયથી વિરોધ ચાલી રહ્યો છે. પાછલાં 6 વર્ષ દરમિયાન ઘણો વિરોધ થયો છે. જો કે નવી એસેસમેન્ટ વ્યવસ્થાઓ કેવી હશે, તેની વિગતો હવે નક્કી અને જાહેર થશે. (file image)

Updated: April 26, 2025 — 4:45 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *