કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે હવે 15મી ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે મુદત પૂર્ણ થવાના દિવસે ફરી એકવાર મુદતમાં વધારો કરવાનો નિર્ણય
રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ, મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે અને જ્ઞાનસેતુ સ્કોલરશીપ માટે લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) માટે 29મીથી શરૂ થયેલી રજિસ્ટ્રેશનની કાર્યવાહી માટેની મુદતમાં ફરી એકવાર વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાય તે માટે રજિસ્ટ્રેશનની મુદ્દત લંબાવાઈ હોવાનું રાજ્ય પરીક્ષા બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધી 11 લાખ કરતા વધુ ફોર્મ ભરાયા હોવાની વિગતો સામે આવી છે. જોકે, હવે મુદત 15 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવતા વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા માટેનોંધાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24થી જ્ઞાનશક્તિ રેડિસેન્સિયલસ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવી.અત્યાર સુધી 11 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું
છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-1થી 5નો અભ્યાસક્રમ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ-6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાઅંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ-6થી 12ના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ આપવામાં આવશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અનુસાર, 29 જાન્યુઆરીથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ 9 ફેબ્રુઆરી સુધી પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. 9 ફેબ્રુઆરીના રોજ મુદત પૂર્ણ થતી હોવાથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુદતમાં વધારો કરાયો હતો અને 12 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, હવે 12 ફેબ્રુઆરીના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફરી એકવાર મુદતમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે.