ચાલુ નોકરીએ અવસાન પામેલ ૧૫ શિક્ષકોની ૫૯ લાખ જેટલી લોન માફ
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં અને ૧લી જાન્યુઆરી-૨૦૨૩થી ૩૧ ડિસેમ્બર-૨૦૨૩ દરમિયાન ચાલુ નોકરીએ અવસાન પામેલા ૧૫ શિક્ષકોની રૂ.૫૯ લાખ જેટલી હોમલોન માફ કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. અવસાન પામેલા કર્મચારીની લોન તેમજ તેનુ વ્યાજ બાકી હોવાથી પેન્શનનો લાભ અટકી જતો હોય છે. જેથી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા જિલ્લાઓમાથી દરખાસ્ત મગાવવામાં આવી હતી તેમજ આ

અંગેની પરિપત્ર દ્વારા સુચના પણ આપવામાં આવી છે.
રાજ્યનાં જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકના ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલા પ્રાથમિક શિક્ષકોની બાકી મકાન લોનની મુદ્દલ અને વ્યાજ માંડવાળ કરવા માટે બજેટમાં જોગવાઈ થાય છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં પર્યાપ્ત જોગવાઈ મંજૂર થયેલી છે. આવા કિસ્સામાં અવસાન પામનાર શિક્ષકની સમયસર મકાન લોન માંડવાળ ન થાય તો પેન્શનરી લાભો અટકી પડે છે. જેથી કર્મચારીના અવસાન બાદ તેઓના વારસદારોને મળતા પેન્શનરી લાભો સમયસર ચૂકવાઇ જાય તે હેતુથી નિયામક કચેરી દ્વારા કોઈ દરખાસ્ત બાકી રહી હોય તો તેના માટે તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓને સૂચના આપી છે.