
અરૂણ ખેતરપાલની પુણ્યતિથિ ૧૬ ડિસેમ્બર દિન વિશેષ વ્યક્તિ
ભારતીય ભૂમિસેનાના સેકન્ડ લેફ્ટનન્ટ અરૂણ ખેતરપાલનો જન્મ ૧૪ ઓક્ટોબર,૧૯૫૦ ના રોજ પૂણે, મહારાષ્ટ્ર ખાતે થયો હતો.તેમના પિતા બ્રિગેડિયર એમ.એલ. ખેતરપાલ ભારતીય ભૂમિસેનાની એન્જિનિયર ટુકડીમાં ઓફિસર હતા.તેમના પરિવારનો સૈન્યમાં સેવા આપવાનો લાંબો ઇતિહાસ છે.તેઓ ધ લૉરેન્સ સ્કુલ, સાનાવર ખાતે ભણ્યા અને તેમાં શિક્ષણ તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં ખૂબ જ શક્રિય હતા.તેઓ જૂન ૧૯૬૭માં રાષ્ટ્રિય સુરક્ષા અકાદમિ ખાતે જોડાયા.તેઓ ૩૮મા કોર્સમાં હતા અને ફોક્સટ્રોટ સ્ક્વોડ્રનના કપ્તાન હતા.તેઓ જૂન,૧૯૭૧માં ભારતીય સૈન્ય અકાદમિ ખાતે જોડાયા.૧૯૭૧ના ભારત – પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ૧૭ પૂના હોર્સને ૪૭મી પાયદળ બ્રિગેડ સાથે જોડવામાં આવ્યા.આ બ્રિગેડે શકરગઢ વિસ્તારના બસન્તરની લડાઈમાં ભાગ લીધો.૪૭મી બ્રિગેડને સોંપાયેલ લક્ષ્યાંકોમાંનું એક લક્ષ્યાંક બસન્તર નદી પર પુલ બાંધવાનું હતું. જ્યારે એન્જિનિયરો સુરંગ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં અધવચ્ચે હતા ત્યારે પુલ પર પહેરો ભરતા ભારતીય સૈનિકોએ સામે પાર દુશ્મન રણગાડીઓની મોટા પ્રમાણમાં હિલચાલ હોવાની જાણ કરી.આ બાબતની જાણ થતાં ૧૭ પૂના હોર્સે સુરંગક્ષેત્રની મધ્યમાંથી આગળ વધવા નિર્ણય કર્યો.વહેલી સવાર સુધીમાં રણગાડીઓ પુલ સુધી પહોંચવમાં સફળ રહી.૧૬ ડિસેમ્બર,૧૯૭૧ના રોજ સવારે ૮ વાગ્યે ધુમાડાની આડ હેઠળ જરપાલ ખાતે પાકિસ્તાનની રણગાડીઓએ તેમનો વળતો હુમલો કર્યો.પાકિસ્તાનના ૧૩ લાન્સરની અત્યાધુનિક અમેરિકી બનાવટની પેટન રણગાડીઓએ પૂના હોર્સની ‘બી’ ટુકડી પર હુમલો કર્યો. તે ટુકડીના આગેવાન અફસરે તુરંત મદદ માટે સંદેશ મોકલ્યો.અરૂણ ખેતરપાલ કે જેઓ ‘એ ટુકડી સાથે નજીકમાં જ હતા તેમણે તેમની ‘સેન્ચુરીઅન’ રણગાડી સાથે તુરંત જ મદદે આવ્યા.પ્રથમ હુમલો ભારતીય રણગાડી સેના અને તેના વ્યક્તિગત રણગાડી નેતાઓની શાંતિપૂર્વકની નિશાનેબાજીએ નિષ્ફળ બનાવ્યો.૧૩ લાન્સરે વધુ બે હુમલા કર્યા અને આખરી હુમલામાં તેઓ ભારતીય હરોળ ભેદવામાં સફળ થયા.આ લડાઈમાં દુશ્મનો લેફ્ટનન્ટની રણગાડીનું નિશાન સાધવામાં સફળ રહ્યા.તેમ છતાં તેમણે પોતાની રણગાડી છોડી નહીં. તેમની કાર્યવાહીને કારણે પાકિસ્તાની સૈન્યને હરોળ ભેદવાનો મહત્વનો ફાયદો નકામો બન્યો અને પાકિસ્તાની પરિસ્થિતિ મજબૂત બનાવવાને બદલે ભારતીય સ્થિતિ મજબૂત બની. તેમના ઉપરી અધિકારીએ તેમને પાછા હટવા અને રણગાડી છોડવા આદેશ આપ્યો હતો જેના જવાબમાં તેમણે જણાવ્યું કે “ના સાહેબ, હું મારી રણગાડી નહીં છોડું અને મારી ગન કામ કરે છે. આ હરામખોરોને મારીને રહીશ.” ત્યારબાદ તેમણે એક પછી એક પાકિસ્તાની રણગાડીઓને ઉડાવવાની શરૂઆત કરી.છેલ્લી રણગાડી જે તેમણે ઉડાવી તે તેમનાથી ફક્ત ૧૦૦ મિટર જ દૂર હતી.આ સમયે તેમની રણગાડી પર બીજો ગોળો પડ્યો અને તેઓ જીવલેણ રીતે ઘાયલ થયા.આમ,૧૬ ડિસેમ્બર,૧૯૭૧ ના રોજ ખેતરપાલ પાકિસ્તાની સૈન્યને જોઈતા કાયદાને નકારતાં શહીદી પામ્યા.તેમનું પાર્થિવ શરીર અને તેમની રણગાડી “કામાગુસ્તા” પાકિસ્તાનીઓએ કબ્જે કરી અને બાદમાં ભારતીય સૈન્યને પાછી આપી.આ રણગાડી આજે દર્શકો માટે ઉપલબ્ધ છે.તેમને ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર મરણોપરાંત દુશ્મન સામે બતાવેલી વીરતા માટે એનાયત કરાયું હતું.