વોલ્ટ ડિઝની પુણ્યતિથી

મિકી માઉસ અને ડોનાલ્ડ ડક જેવા અનેક પશુ-પક્ષીઓના પાત્રો સર્જી બાળકોનું મનોરંજન કરનાર મહાન કાર્ટૂનિસ્ટનું વોલ્ટ ડિઝનીનો જન્મ ૫ ડિસેમ્બર,૧૯૦૧ ના રોજ શિકાગોના ઇલિનોઇસના હર્મોસા વિભાગમાં થયો હતો.દસેક વર્ષની વયે એમના કુટુંબે પહેલા મિસુરી અને પછી કન્સાસમાં સ્થળાંતર કર્યું.પુખ્ત વયના થયા ત્યારે એમણે પ્રથમ વિશ્વયુધ્ધમાં રેડક્રોસમાં કામ કર્યું હતું.યુધ્ધની સમાપ્તિ પછી એમણે કન્સાસ શહેરમાં ઇવર્ક ડિઝની નામની ચિત્રકામની દુકાન શરૂ કરી પણ એ કંઈ ચાલી નહીં,એટલે એમણે કન્સાસ શહેરની એક ફીલ્મો માટે જાહેરાતોની નાની ક્લીપ બનાવતી કંપનીમાં નોકરી સ્વીકારી.૧૯૨૩માં ફરી એમણે લાકો-ઓ-ગ્રામ નામની કંપની શરૂ કરી અને કાર્ટુનની નાની નાની ફીલ્મો બનાવવાનું શરૂ કર્યું.થોડા સમય બાદ તેઓ કેલિફોર્નિયા રાજ્યમાં આવેલા હોલીવુડમાં આવી ગયા અને ત્યાં સ્ટુડિયો શરૂ કર્યો.અહીં એમને સફળતા મળી અને ૧૯૨૮માં એમણે પ્રખ્યાત વોલ્ટ ડિઝની પ્રોડક્શન નામના સ્ટુડિયોની સ્થાપના કરી.અહીં એમણે પોતાના બધા કલ્પિત પાત્રોની ફીલ્મો બનાવી એ પાત્રોને દુનિયાભરમાં મશહૂર કર્યા.આ પાત્રોમાં મિકી માઉસ, મિની માઉસ, ડોનાલ્ડ ડક, ગૂકી, બાળકોમાં ખૂબ જ લોકપ્રિય થયા. ૧૯૩૫માં એમના આ કામ માટે હોલિવુડનો પ્રસિધ્ધ એકડેમી એવોર્ડ પણ મળ્યો.પછી તો એમણે સ્નો વાઈટ એન્ડ સેવન દ્વાર્ફ, પિનોકીયો, એલીસ ઈન વન્ડરલેન્ડ જેવા અનેક કાર્ટુન ચલચિત્રો બનાવ્યા.૧૯૫૫માં એમણે ટી.વી.માં મિકી માઉસ કલબ નામે સિરીયલ પણ શરૂ કરી.૧૭ જુલાઈ,૧૯૫૫ ના રોજ એમણે દુનિયાનું સૌથી પ્રખ્યાત ડિઝની લેન્ડ કેલિફોર્નિયામાં શરૂ કર્યું.વોલ્ટ ડિઝનીને ૧૯૬૬માં ફેફસાના કેન્સરનું નિદાન થયું હતું અને ૧૫ ડિસેમ્બર,૧૯૬૬ ના રોજ ૬૫ વર્ષની વયે અવસાન થયું હતું.વોલ્ટ ડિઝનીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેમની રાખને કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આવેલા ફોરેસ્ટ લોન કબ્રસ્તાનમાં દફન કરવામાં આવી હતી. આજે ડિઝની એ શરૂ કરેલી આ કંપની અબજો ડોલરનો ધંધો કરે છે.વિશ્વભરમાં અનેક શહેરોમાં ડિઝની લેન્ડ ખુલ્યા છે.હોટેલ બિઝનેસ અને બીજા અનેક ધંધાઓમાં સફળતા પૂર્વક એમની કંપની કામ કરી રહી છે.