ભારત દેશના પ્રથમ મહિલા વ્યવસાયિક તસ્વીર પત્રકાર (ફોટો જર્નાલિસ્ટ) હોમાય વ્યારાવાલાનો જન્મ ૯ ડિસેમ્બર,૧૯૧૩ ના રોજ નવસારીમાં એક મધ્યમવર્ગીય પારસી પરિવારમાં થયો હતો.જે જમાનામાં ફોટોગ્રાફ઼ી બહુ જ દુર્લભ અને મુશ્કેલ ક્ષેત્ર મનાતું હતું અને મહિલાઓ હજુ પણ ઘરની ચાર દિવાલો વચ્ચે સુરક્ષિત રહેવામાં જ ગૌરવ સમજતી હતી એવાં સમયમાં હોમાય વ્યારાવાલાએ ન્યુઝ ફોટોગ્રાફીનું ક્ષેત્ર અપનાવ્યું અને તેમાં સફળતા હાંસલ કરી હતી.પિતાના સતત સ્થળાંતરને કારણે વ્યારાવાલા સતત પોતાનું સ્થાન બદલાવતા રહ્યાં.બાળપણમાં પિતાનું મુંબઈ સ્થળાંતર થવાને કારણે તેઓ મુંબઈ સ્થાપિત થયા.મુંબઈ ગયા પછી હોમાય વ્યારાવાલાએ બોમ્બે યુનિવર્સિટી અને સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો હતો.હોમાય વ્યારાવાલાએ પોતાની કારકિર્દી ૧૯૩૦માં શરુ કરી.બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં તેમણે મુંબઇ સ્થિત “ધી ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’ મેગેઝિન માટે કામ કરવાનું શરૂ કર્યું હતું.આ મેગેઝીને તેમના ઘણા બ્લેક એન્ડ વાઈટ ચિત્રો પ્રકાશિત કર્યા હતા,જે પાછળથી આઇકોનિક બન્યા હતા.કારકિર્દીના પ્રારંભિક વર્ષોમાં તેઓ તેમની કોટોગ્રાફી માટે ખાસ જાણીતા ના હોવાથી તેમણે પતિના નામ હેઠળ ચિત્રો પ્રકાશિત કરવાનું શરુ કર્યું.આખરે તેમની ફોટોગ્રાફીને રાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવી.૧૯૪૨માં તેઓ દિલ્હીના બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસિસમાં જોડાયા.૧૯૭૦માં પતિના અવસાનના થોડા સમય બાદ નવી પેઢીના ફોટોગ્રાફર્સની ખરાબ વર્તણુકને લીધે તેમણે કોટોગ્રાફી છોડી દીધી હતી અને ૪૦ વર્ષ સુધી એમણે એક પણ કોટો લીધો નહોતો.પાછળથી વ્યારાવાલાએ પોતાના ચિત્રોનો સંગ્રહ દિલ્હી સ્થિત આલ્કઝી ફાઉન્ડેશન ફોર ધ આર્ટ્સને આપ્યો.ઈ.સ.૨૦૧૧માં એમને ભારત સરકાર તરફથી ‘પદ્મવિભૂષણ’ વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા.હોમાયજી એ સમયમાં તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે પોતાનું નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા.૧૫ જાન્યુઆરી,૨૦૧૨ના રોજ વડોદરા ખાતે ૯૮ વર્ષની વયે એમનું અવસાન થયું હતું.ગૂગલ કંપની દ્વારા હોમાયજીના ૧૦૪ મા જન્મદિન નિમિત્તે ગૂગલ શોધ પર એમનું ડૂડલ મૂકી એમને યાદ કરવામાં આવ્યા.આ ડૂડલને મુંબઈ ખાતેના ચિત્રકાર સમીર કુલવુર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.