સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન પત્રક A ની સંપૂર્ણ સમજ

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન પત્રક A ની સંપૂર્ણ સમજ

સંરચનાત્મક કે વિકાસાત્મક મૂલ્યાંકન

વિદ્યાર્થીઓની સિદ્ધિનું સ્તર જાણવા અને વિદ્યાર્થીઓની સિદ્ધિ પરથી નિદાન કરવા સંરચનાત્મક મૂલ્યાંકનનો ઉપયોગ થાય છે. વર્ગશિક્ષણ સાથે મૂળભૂત રીતે સંકળાયેલ આ પ્રકારનું મૂલ્યાંકન વિદ્યાર્થીને માહિતી અપાયા બાદ, માહિતી વિતરણના કોઈ ચોક્કસ તબક્કે એટલે કે વિષયવસ્તુના કોઈ એક નિશ્ચિત એકમના શિક્ષણ બાદ કરી શકાય. આ પ્રકારનું મૂલ્યાંકન વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડે છે અને શિક્ષકો માટે અધ્યાપન અભિગમ સુધારવાની દિશા સ્પષ્ટ કરે છે. આ પ્રકારનું મૂલ્યાંકન અધ્યયન – અધ્યાપન પ્રક્રિયાના અંતર્ગત ભાગ તરીકે સ્વીકારાયેલ છે, મૂળભૂત રીતે વર્ગીશક્ષણ સાથે સંકળાયેલ છે.

એકમ કસોટીઓ, શિક્ષક નિર્મિત અનૌપચારિક કસોટીઓ, સ્વાધ્યાયો, વિદ્યાર્થીની કચાશ પારખતી નિદાન કસોટીઓ વગેરે દ્વારા સંરચનાત્મક મૂલ્યાંકન હાથ ધરી શકાય. ટૂંકમાં કહીએ તો સંરચનાત્મક મૂલ્યાંકન વિષયવસ્તુની ચોક્કસ બાબતોના સંદર્ભમાં વિદ્યાર્થીઓનું પ્રવર્તમાન સિદ્ધિ સ્તર જાણવા માટે હાથ ધરાય છે. સંરચનાત્મક મૂલ્યાંકન એ સતત અને સર્વગ્રાહી રીતે ચાલતી અધ્યયન માટેના મૂલ્યાંકનની પ્રક્રિયા છે.

સંકલનાત્મક કે સમગ્રતયા મૂલ્યાંકન

સંકલનાત્મક મૂલ્યાંકનનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની સિદ્ધિને પ્રમાણિત કરવાનું છે. તે અધ્યયન કાર્યની નિષ્પત્તિ વિશે હકીકતો કે તથ્યો (facts) ભેગા કરવા માટે ઉપયોગી છે. સત્રના અંતે અથવા તો શિક્ષણનો એક સાર્થક ભાગ પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓના પક્ષે તેની ફલશ્રુતિ જાણવા માટે સંકલનાત્મક મૂલ્યાંકન કરી શકાય. વિદ્યાર્થીઓનું વર્ગીકરણ ( પાસ કે નાપાસ, પસંદ કે નાપસંદ , યોગ્ય કે અયોગ્ય ) કરવાનો મુખ્ય હેતુ આ પ્રકારના મૂલ્યાંકનનો છે.

કોઈ નિશ્ચિત વર્ગ કે જૂથમાં રહીને કાર્ય કરવા માટે આવશ્યક જ્ઞાન કે કૌશલ્યલક્ષી માહિતી વિદ્યાર્થી જાણે છે કે નહીં તે નક્કી કરવા માટે પ્રવેશ યોગ્યતા નિર્દેશિત મૂલ્યાંકન પણ સંકલનાત્મક મૂલ્યાંકન કહેવાય. આ પ્રકારના મૂલ્યાંકનનો હેતુ વિદ્યાર્થીઓનું કક્ષામાં વર્ગીકરણ કરવા માટેનો આધાર મેળવવાનો હોય છે. શાળામાં નવા પ્રવેશ સમયે જે નિશ્ચિત જૂથમાં વિદ્યાર્થીને મૂકવાનો છે, તે નિશ્ચિત જૂથ માટે વિદ્યાર્થી યોગ્ય છે કે નહિ, એટલે કે જે તે જૂથને માટે આવશ્યક જ્ઞાન કે કૌશલ્યો તેનામાં કઈ કક્ષાએ વિકસેલાં છે તે નક્કી કરવાનું આ પ્રકારના મૂલ્યાંકનને આધારે શક્ય બને છે.

સત્રાંત કસોટીઓ , વાર્ષિક કસોટીઓ, પ્રમાણિત સિદ્ધિ કસોટીઓ, અભિયંગ્યતા કસોટીઓ વગેરે દ્વારા સંકલનાત્મક મૂલ્યાંકન હાથ ધરી શકાય. આમ, શિક્ષાકાર્યના અંતે વિદ્યાર્થીઓની અધ્યયન પ્રગતિ જાણવા માટે કે તે અંગેનો નિર્ણય લેવા માટે સંકલનાત્મક મૂલ્યાંકનનું આયોજન થાય છે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન

આપણી પરંપરાગત મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક સિદ્ધિનું જ મૂલ્યાંકન કરે છે. વિદ્યાર્થીઓની બિનશૈક્ષણિક બાબતોનું મૂલ્યાંકન થતું નથી. શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવાનો છે. તેથી વિદ્યાર્થીનું શૈક્ષણિક અને બિનશૈક્ષણિક એમ બંને રીતે મૂલ્યાંકન થવું જોઈએ, આવું મૂલ્યાંકન સતત રીતે થવું જોઈએ. રોજેરોજ વર્ગખંડ અંદર અને વર્ગખંડ બહારની પ્રવૃત્તિઓમાં બાળક કેવી રીતે ભાગ લે છે તેનું સતત માપન અને મૂલ્યાંકન થવું જોઈએ. વિદ્યાર્થી સમગ્ર વર્ષ દરમિયાન અનિયમિત કે બેધ્યાન રહે છતાં વાર્ષિક પરીક્ષાના અંતિમ દિવસોમાં ગોખણપટ્ટી કરી વધુ ગુણ લઈ આવે તેને આપણે વિષયનો જ્ઞાતા ગણીએ છીએ. આ અનિચ્છનીય પરિણામ છે. સતત મૂલ્યાંકનથી વિદ્યાર્થીનું સામર્થ્ય અને તેની નબળાઈઓ બંનેનો ખ્યાલ આવે છે. તેની નિરંતર શૈક્ષણિક પ્રગતિની ગતિવિધિ જાણવા મળે છે. જેને આધારે શૈક્ષણિક હેતુઓની સિદ્ધિ અર્થે નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય માટે સતત મૂલ્યાંકન ઉપયોગી બને છે.

મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી બનવું જોઈએ, એટલે કે વિદ્યાર્થીની ફક્ત જ્ઞાનાત્મક બાબતો જ નહીં, પરંતુ તેની ભાવાત્મક અને ક્રિયાત્મક બાબતોનું પણ મૂલ્યાંકન થવું જોઈએ, એટલે કે વિદ્યાર્થીનું સર્વાંગી- સર્વગ્રાહી મૂલ્યાંકન થવું જોઈએ.

સર્વગ્રાહી મૂલ્યાંકન વિદ્યાર્થીઓના માત્ર શૈક્ષણિક – વિદ્યાકીય પાસાની પ્રગતિનું જ મૂલ્યાંકન નથી, પરંતુ તે વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્ય , ચારિત્ર્યનાં લક્ષણો, અભિરુચિઓ, વલણો વગેરે પાસાંઓની પ્રગતિનું પણ મૂલ્યાંકન કરે છે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે વિદ્યાર્થીની વિદ્યાકીય સિદ્ધિ ( વિવિધ વિષયોની પરીક્ષા ) અને બિનવિદ્યાકીય બાબતો જેવી કે શારીરિક સ્વાસ્થ્ય, રસ, વલણ, અભિરુચિઓ, વૈયક્તિક અને સામાજિક ગુણો, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે સાહિત્યિક તથા અભ્યાસ વર્તુળો અને રમતો, ખેલકૂદ, એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉન્ટિંગ વગેરેનું સતત એકધારા વિકાસ માટે જરૂરી પ્રતિપોષણ અને અનુકાર્ય પૂરાં પાડતું નિયમિત અને સતત મૂલ્યાંકન.

આમ, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે વિદ્યાર્થીના વિકાસનાં બધાં જ પાસાઓની પ્રગતિનું વારંવારનું મૂલ્યાંકન અને તે અંગેનો અહેવાલ. 

શાળાઓમાં વિદ્યાર્થીઓના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે યોજના તૈયાર કરતાં વિદ્યાર્થીઓના વિકાસના વિવિધ પાસાંને ધ્યાનમાં રાખી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની યોજનાને નીચેના જેવા ચાર વિભાગમાં વહેંચી શકાયઃ

(1) બૌદ્ધિક બાબતોના અભ્યાસના વિષયોનું મૂલ્યાંકન

(2) શારીરિક ક્ષમતા, સ્વાસ્થ્ય અને ઉત્પાદક કૌશલ્યોનું મૂલ્યાંકન

(3) સામાજિક ગુણો, શક્તિઓ અને સમજનું મૂલ્યાંકન

(4) વિવિધપ્રકારનાં મૂલ્યો, વલણો, અભિરુચિઓ, પસંદગીઓ અને દૃષ્ટિકોણનું મૂલ્યાંકન

ઉપરોક્ત વિભાગોને ધ્યાનમાં રાખી ક્યા વિભાગનું મૂલ્યાંકન કોણ કરશે, કઈ રીતે કરશે. વગેરે બાબતો શાળાના સમગ્ર શિક્ષકોની સક્રિય મદદ લઈ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની યોજના તૈયાર કરવી જોઈએ. આ યોજના અમલમાં મૂક્યા પછી તેમાં જણાઈ આવતી ઉણપો સુધારી દર વર્ષે સુધારા- વધારા સાથેની યોજના અપનાવવી જોઈએ.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) બાબત માર્ગદર્શન @ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સિદસર – ભાવનગર

*સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે તાલીમમાં વારંવાર કેટલાંક પ્રશ્નો પુછવામાં આવતાં હોય છે તે બાબતે અહીં કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.*

*પ્રશ્ન* : નવી અધ્યયન નિષ્પત્તિઓ જીસીઈઆરટી દ્વારા આપવામાં આવી છે તે કઇ રીતે ઉપયોગમાં લેવી ?

*જવાબ* : નવા પાઠ્યપુસ્તક સાથે તેમની અધ્યયન નિષ્પત્તિઓ પણ જીસીઈઆરટી દ્વારા તેમની વેબસાઈટ www.gcert.gujarat.gov.in પર મુકવામાં આવી છે . યાદ રાખીએ કે આ અધ્યયન નિષ્પત્તિઓ આદર્શ રીતે આપેલાં વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે . આ અધ્યયન નિષ્પત્તિઓમાં મુખ્ય નિષ્પત્તિ અને જરૂર મુજબ તેની પેટા અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે . સાથે જ જે – તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યયન – અધ્યાપન માટેની પ્રવૃત્તિ પણ આપવામાં આવી છે . જ્યારે પણ આપણે વિદ્યાર્થીને અધ્યયન – અધ્યાપનનાં અનુભવ પુરા પાડીએ તેમાં આ પ્રવૃત્તિઓ કરાવવાની છે .

*પ્રશ્ન* : પત્રક – A માટે અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે પસંદ કરવી અને ક્યારે કરવી ?
*જવાબ* : પત્રક – A જેને આપણે રચનાત્મક મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ . આ *અનૌપચારિક* મૂલ્યાંકન સ્વરૂપનાં માળખામાં સમાવિષ્ટ છે . જ્યારે અધ્યયન – અધ્યાપનની પ્રક્રિયા ચાલતી હોય તે દરમિયાન *અનૌપચારિક* રીતે ** જે અધ્યયન નિષ્પત્તિઓ ચકાસી શકાય તેમ હોય તેવી અધ્યયન નિષ્પત્તિઓને રચનાત્મક મૂલ્યાંકન માટે પસંદ કરી શકાય . આ અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી અને મૂલ્યાંકન શિક્ષકની વિશિષ્ટ આવડત માંગી લે તેવું કામ છે . આ માટેની અધ્યયન નિષ્પત્તિઓ શિક્ષકે અગાઉથી જ સત્રારંભે નક્કી કરી લેવી જોઇએ જેથી જે – તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યાપન કાર્ય વખતે મૂલ્યાંકનનું આગોતરૂં આયોજન થઈ શકે અને સાતત્યતાપૂર્ણ મૂલ્યાંકન થઇ શકે .

*પ્રશ્ન* : જીસીઈઆરટી દ્વારા આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિની યાદીમાં ૨૦ કરતાં વધારે અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે તો અધ્યયન નિષ્પત્તિઓ કેમ લેવી ?
*જવાબ* : જીસીઈઆરટી દ્વારા જે અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે તે અધ્યયન – અધ્યાપન માટેની યાદી છે . જ્યારે આપણે મહત્તમ ૨૦ અધ્યયન નિષ્પત્તિ લેવાની વાત કરીએ છીએ ત્યારે ધ્યાન રાખીએ કે આપણે અનૌપચારિક મૂલ્યાંકન પત્રક- A ની વાત કરીએ છીએ . અનૌપચારિક રીતે મૂલ્યાંકન થઈ શકે તેવી મહત્તમ ૨૦ પ્રતિનિધિરૂપ ક્ષમતા જ પત્રક -A માટે લેવાની છે .

*પ્રશ્ન* : એકમ કસોટીમાં આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિઓનાં આધારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક – A માં મૂલ્યાંકન નોંધ કરી શકાય ?
*જવાબ* એકમ કસોટી નિશ્ચિત માળખામાં લેવામાં આવે છે . અને તે લેખિત પ્રકારની એટલે ઔપચારિક પ્રકારની કસોટી છે જ્યારે રચનાત્મક પત્રકમાં અનૌપચારિક મૂલ્યાંકનની વાત છે . એકમ કસોટી જે – તે એકમ અથવા એકમોનાં અંતે લેવામાં આવે છે જ્યારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક – A સતત થતાં મૂલ્યાંકનનો ભાગ છે જે અધ્યયન – અધ્યાપન પ્રક્રિયા દરમિયાન થાય છે .

*પ્રશ્ન* – રચનાત્મક મૂલ્યાંકન પત્રક – A માટે જો મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો તેનો આધાર કેવી રીતે રાખવો ?

અથવા પત્રક- A ના મૂલ્યાંકનનાં આધાર કેવી રીતે રાખવાં ?

*જવાબ* અગાઉ એક પ્રશ્નના જવાબમાં વાત થઇ . રચનાત્મક મૂલ્યાંકનમાં એવી અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી કરવામાં આવે છે જેનું મૂલ્યાંકન અનૌપચારિક રીતે કરવામાં આવતું હોય . આ પ્રકારનાં મૂલ્યાંકન માટે શિક્ષકે આગોતરૂં આયોજન કરવું પડે તે પણ આપણે જાણ્યું . હવે વાત કરીએ આધારોની તો તમે જે – તે અધ્યયન નિષ્પત્તિ પત્રક – A માટે લીધી હોય તે માટે મૂલ્યાંકન પદ્ધતિનું આગોતરૂં આયોજન તો કર્યું જ હોય છે . આ આયોજન પણ તમારો આધાર બની શકે .

 દૈનિકબુકમાં પણ મૂલ્યાંકન નોંધમાં તમે તે નોંધ્યું હશે . તમે રચનાત્મક મૂલ્યાંકન માટે કોઇ અનૌપચારિક ક્રિયાત્મક કસોટી નક્કી કરી હોય તો તેમાં વિદ્યાર્થીએ કરેલાં કામને આધાર તરીકે રાખી શકાય , મૌખિક પ્રશ્નોત્તરી અથવા ક્યારેક સામુહિક અનૌપચારિક મૂલ્યાંકન વખતે આધાર ન હોય તો ચાલી શકે પણ મૂલ્યાંકન સાતત્યતાપૂર્ણ કરવામાં આવ્યું હોય તે જરૂરી છે . ઉદાહરણ તરીકે કોઇ એક અધ્યયન નિષ્પત્તિ માટે શિક્ષકશ્રી દ્વારા મૌખિક પ્રશ્નોત્તરી કરવામાં આવી હોય અને તેનાં આધારે રચનાત્મક પત્રક – A માં સિદ્ધિની નોંધ કરવામાં આવી હોય . હવે ફરીવાર જ્યારે અનૌપચારિક મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે અપવાદ અને સહજ અમુક વિદ્યાર્થી બાદ કરતાં બાકીનાં વિદ્યાર્થીઓ જવાબ આપી શકે તે આવશ્યક છે .

👉 પરિપત્ર ડાઉનલોડ કરો

Guidance on Continuous and Comprehensive Assessment (SCE) @ District Education and Training Bhavan, Sidsar – Bhavnagar

Updated: December 27, 2022 — 9:05 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *