વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮) ૨૦૨૪: ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ
ગાંધીનગર: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮, ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ ના ઉમેદવારો માટે એક અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે. આ સૂચના, ભરતી પ્રક્રિયામાં થયેલ વિલંબ અને આગામી પ્રક્રિયા અંગેની સ્પષ્ટતા પૂરી પાડે છે.
હાઈકોર્ટના આદેશ બાદ હાથ ધરાઈ સુનાવણી
પ્રાપ્ત માહિતી અનુસાર, નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેશિયલ પિટિશન નં. ૮૧૬૯/૨૦૨૫ સંદર્ભે તા. ૦૪/૦૭/૨૦૨૫ ના રોજ આપેલ મૌખિક આદેશ મુજબ, નોકરી દરમિયાન કામચલાઉ લાયકાત મેળવેલ ઉમેદવારોની રૂબરૂ સુનાવણી માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ દ્વારા તા. ૧૧/૦૮/૨૦૨૫ થી તા. ૨૩/૦૮/૨૦૨૫ દરમિયાન સંબંધિત ઉમેદવારોની રૂબરૂ સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં આગળ વધશે
સૂચનામાં જણાવ્યા અનુસાર, ઉપરોક્ત સુનાવણીની પ્રક્રિયા અને તેની આનુષંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮, ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ ની મેરિટયાદી પ્રસિદ્ધ કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. આથી, તમામ ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા માટે તૈયાર રહેવા જણાવાયું છે.
વેબસાઇટ પર નજર રાખવા અપીલપસંદગી સમિતિએ તમામ ઉમેદવારોને સલાહ આપી છે કે ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ વિગતો અને અપડેટ્સ માટે નિયમિતપણે સત્તાવાર વેબસાઇટ જોતા રહે. ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વેબસાઇટ પર મૂકવામાં આવનાર સૂચનાઓનું પાલન કરવું હિતાવહ છે.
આ જાહેરાતથી લાંબા સમયથી ભરતી પ્રક્રિયા આગળ વધવાની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોમાં આશાનો સંચાર થયો છે. હવે જોવાનું એ રહેશે કે મેરિટયાદી અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા ક્યારે શરૂ કરવામાં આવે છે.
