સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે આગળ વધી રહી છે મોદી સરકાર. PMની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન, વન ઇલેક્શનનાં પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, બપોરે 3 વાગ્યે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે બ્રિફિંગ આપવામાં આવશે.
એકસાથે ચૂંટણીથી શું ફાયદો થશે?
• ચૂંટણી દરમિયાન થતાં કરોડોનાં ખર્ચમાં બચત સતત થતી ચૂંટણીથી છુટકારો
• ફોકસ ચૂંટણી પર નહીં પરંતુ વિકાસ પર થશે
સતત આચાર સંહિતાથી છુટકારો
કાળા નાણાં પર રોક પણ લાગશે
32 રાજકીય પક્ષોનું સમર્થન
પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ ‘વન નેશન, વન ઇલેક્શન’ના મુદ્દે 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા આપનાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષોએ વિરોધ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર કુલ 15 પક્ષોએ જવાબ આપ્યો નથી.
વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તે 18,626 પેજનો છે. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેકહોલ્ડર્સ-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસના સંશોધનનું પરિણામ છે.