GADની અધિસૂચનાએ સ્થિતિ વધુ સ્પષ્ટ કરી લોકસભા ચૂંટણી ૩૧મી મે પહેલાં આટોપી લેવાય તેવી પૂરી શક્યતા
લોકસભાની ચૂંટણી માર્ચના પહેલા કે બીજા સપ્તાહે જાહેર થશે એ સ્વંય સ્પષ્ટ છે. હવે ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા ૩૧ મે પહેલા આટોપી લેવાશે તે પણ સ્પષ્ટ થઈ રહ્યાના સંકેતો પ્રાપ્ત થયા છે. રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ- GADએ ભારતના ચૂંટણી આયોગ- ECIના ગુજરાત સ્થિત મુખ્ય નિર્વાચન અધિકારી- CEOની કચેરીમાં વધુ એક સંયુક્ત સચિવની નિયુક્તિનો આદેશ કર્યો છે.

મંગળવારે મોડી રાતે પ્રસિધ્ધ આ અધિસૂચનામાં આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ પ્રકાશ પટ્ટણીને ચૂંટણી પ્રભાગ અર્થાત CEOને હવાલે મુકવા ૩૧મી મે સુધીનો સમય નિયત કરાયો છે. આથી, રાજ્યમાં લોકસભાની ચૂંટણી ૩૧મી મે સુધીમાં આટોપી લેવાશે તેમ સ્પષ્ટ થઈ રહ્યાની ચર્ચા છે.
વધુ એક ગુજરાતના IASનો મહારાષ્ટ્ર કેડરમાં સમાવેશ
ગુજરાત કેડરમાં વર્ષ ૨૦૨૦ની બેચના IAS કંચનનો પંજાબ કેડરમાં સમાવેશ કરવામા આવ્યાના બે દિવસ બાદ વધુ એક મહિલા IASને અન્ય સ્ટેટના IAS સાથે લગ્નને કારણે ઈન્ટર સ્ટેટ કેડર ચેન્જનો લાભ મળ્યો છે. ૨૦૨૦ની બેચના નતિશા માથુરને ભારત સરકારે મહારાષ્ટ્ર કેડરમાં સમાવેશ કરવા મંજૂરી આપી છે. IAS માથુર અંકલેશ્વરમાં આસિસ્ટન્ટ કલેક્ટર છે.