રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોની દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલા કાર્યક્રમને લઈને રજૂઆત કરવામાં આવી છે. કાર્યક્રમ અનુસાર ધોરણ-3થી 5ની પરીક્ષા પહેલા અને ધોરણ-6થી 8ની પરીક્ષા પછી લેવાનું નક્કી કરાયું છે. જેથી મોડી પરીક્ષા પૂર્ણ થવાના લીધે પરિણામ તૈયાર કરવામાં અને ત્યારબાદ ધોરણ-8ના એલસી આપવા તથા ધોરણ-૭ની પ્રવેશ કાર્યવાહીમાં વિલંબ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે શિક્ષક મંડળ દ્વારા ધોરણ-3થી 8ની પરીક્ષા એક
સાથે જ યોજવા માટે ભલામણ કરાઈ છે. GCERT દ્વારા તાજેતરમાં ધોરણ-3થી 8ની દ્વિતીય સત્રાંત કસોટીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં 7 એપ્રિલથી લઈને 25 એપ્રિલ સુધી પરીક્ષા યોજવા
માટે કાર્યક્રમ જાહેર કરાયો છે. પ્રથમ તબક્કામાં ધોરણ-3થી 5 ની પરીક્ષા અને બીજા તબક્કામાં ધોરણ-6થી 8ની પરીક્ષા યોજવાનું નક્કી કરાયું છે. આમ, GCERT દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર પરીક્ષા 18 દિવસ સુધી ચાલશે.
મોડી પરીક્ષા પૂર્ણ થવાના લીધે મૂલ્યાંકન, પરિણામ તૈયાર કરવા, LC આપવા સહિતની કામગીરી માટે 10 દિવસ જ મળશે

સમયપત્રક અનુસાર, ધોરણ-3થી 5ની પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે અને 15 એપ્રિલના રોજ પૂર્ણ થશે. આ પરીક્ષા પૂર્ણ થયાના બીજા દિવસથી એટલે કે 16 એપ્રિલથી ધોરણ-6થી 8ની દ્વિતીય સત્રાંત કસોટી શરૂ થશે અને 25 એપ્રિલના રોજ
પૂર્ણ થશે. આમ, 25 એપ્રિલના રોજ છેલ્લું પેપર પૂર્ણ થયાના 10 દિવસ પછી એટલે કે 5 મેથી સ્કૂલોમાં સત્તાવાર ઉનાળું વેકેશનનો પ્રારંભ થશે. જેથી ઉત્તરવહીનું મૂલ્યાંકન કરી પરિણામ તૈયાર કરવામાં શિક્ષકોને મુશ્કેલી પડશે. ઉપરાંત પરિણામ તૈયાર કરી જાહેર કરાયા બાદ ધોરણ-8ના વિદ્યાર્થીઓના એલ.સી. આપવાના હોવાથી તેમાં પણ સમય જાય છે.
આમ, આ તમામ મુદ્દાઓને લઈને અમદાવાદ મ્યુનિ. શિક્ષક મંડળ દ્વારા GCERTના નિયામકને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, ધોરણ-3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવનાર હોવાથી અનેક મુશ્કેલીઓ પડશે. મોડી પરીક્ષાના પગલે ધોરણ-9ની પ્રવેશ કામગીરીમાં પણ વિલંબ થશે. જેથી ધોરણ-3થી 8ની પરીક્ષા એક સાથે જ રાખવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.