ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષામાં CCTVની વ્યવસ્થા માટે સૂચના
બોર્ડની પરીક્ષા પહેલા અને પછીની ૧૫ મિનિટ સુધીનું રેકોર્ડિંગ થશે
–
તમામ બિલ્ડિંગ-બ્લોક તેમજ આચાર્યની કેબિનમાં પણ CCTV ફરજિયાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગત તા.દ જાન્યુઆરીના રોજ મળેલી પરીક્ષા સમિતિમાં ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા સંદર્ભે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યાં હતા. બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય અન્વયે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે, જેમાં મુખ્યત્વે પરીક્ષાના તમામ બિલ્ડિંગ, તમામ બ્લોક, આચાર્ય કેબીન તેમજ અન્ય જરૂરી સ્થળો પર ફરજિયાત CCTV કેમેરા લગાવવાના રહેશે. પરીક્ષા સમય દરમિયાન તો રેકોર્ડિંગ કરવામાં આવશે પરંતુ પરીક્ષા શરૂ
થયાની ૧૫ મિનિટ પહેલા અને ૧૫ મિનિટ પછીનું પણ રેકોર્ડિંગ કરાશે.
DEO દ્વારા કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ સુચના અપાઈ છે કે, CCTV કેમેરા એ રીતે લગાવવાના રહેશે કે જેનાથી સમગ્ર બ્લોકને આવરી લેવાય. પરીક્ષા પૂર્વે તમામ CCTVની ચકાસણી કરી લેવાની રહેશે, જો કોઈ ખામી જણાય તો તાત્કાલિક અસરથી રિપેર કરાવી લેવાનું રહેશે. દરેક બ્લોકની બેકઅપ ફાઈલ જુદી હોવી જોઈએ. સ્ક્રીન પર એક સાથે એકથી વધુ બ્લોક દેખાતા હોય એવુ સ્ક્રીન રેકોર્ડિંગ ચાલશે નહીં. એક DVDમાં ત્રણથી વધુ બ્લોકનું રેકોર્ડિંગ રાઈટ કરવું નહી. CCTV ફૂટેજની DVDમાં વીડિયો સાથે રેકોર્ડિંગ
તૈયાર કરીને દરેક દિવસની DVD બે કોપીમાં તૈયાર કરવી. એક કોપી પર બોર્ડ કોપી લખવું અને બીજી કોપી પર DEO કોપી લખવુ. રોજે રોજની તે બંને કોપી જે તે ઝોનમાં જમા કરાવવાની રહેશે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સ્થળ એટલે કે, એન્ટ્રી ગેટ રેકોર્ડિંગની અલગ ફાઈલ બનાવવાની રહેશે. એજ રીતે સ્ટ્રોંગરૂમ રેકોર્ડિંગની પણ અલગ ફાઈલ બનાવવાની રહેશે. કેન્દ્ર સંચાલક દ્વારા સમગ્ર પરીક્ષામાં એક કોમ્પ્યૂટર જાણકાર વ્યક્તિને CCTV અંગેની કામગીરી સોંપવાની રહેશે. દરેક બ્લોકમાં કેમેરાની સામેની બાજુની દિવાલ પર પરીક્ષાનો બ્લોક નંબર દર્શાવતો કાગળ લગાવવાનો રહેશે.