ધો-1થી 8માં 13852 જેટલી વિદ્યાસહાયકોની ભરતીની કાર્યવાહી હાથ ધરાઈ હતી.ધોરણ-1થી 8માં વિદ્યાસહાયક બનવા માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું
રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની ભરતીઅંગેની કાર્યવાહીમાં ગુરુવારે વેબસાઈટ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધો. 1થી 5 અને ધો. 6થી 8 માટે ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને કુલ 13852 વિદ્યાસહાયકોની ભરતી માટે 7 નવેમ્બરથી ઓનલાઈન અરજીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઓનલાઈન અરજીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. પ્રોવિઝનલ મેરિટ યાદીમાં ભૂલ જણાય તો 25 ફેબ્રુઆરી સુધીમાં વાંધા અરજીની પ્રિન્ટ મેળવી 27 ફેબ્રુઆરી સુધીમાં વિગતો ભરીને જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઈનલ મેરિટ યાદી જાહેર કરાશે.

જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક પ્રોવિઝનલ મેરિટ યાદીમાં ભૂલ હોય તો આધાર સાથે 27મી સુધીમાં અરજી કરવાની રહેશે.
શાળાઓમાં વિદ્યાસહાયકોની સીધી ભરતી માટે સરકાર દ્વારા મંજૂર થયેલી જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂક માટે મેરિટના ધોરણે ભરતી માટે વિભાગ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં ધો.1થી 5 અને ધો.6થી 8માં સંયુક્ત ભરતી માટે 1 નવેમ્બરે જાહેરાત આપવામાં આવી હતી.
ધો. 1થી 5માં ગુજરાતી માધ્યમમાં 7 હજાર જગ્યાઓ માટે ભરતીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જ્યારે ધો.6થી 8માં ગુજરાતી માધ્યમમાં 5 હજાર જગ્યા પર ભરતી કરવા અને ધો.1થી 8માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં 1852 જગ્યા
પર ભરતી હાથ ધરવામાં આવી હતી. ભરતી માટે ઓનલાઈન અરજી પત્રક વેબસાઈટ પર 7 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અરજદારોએ ફોર્મ ભરી 19 નવેમ્બર સુધી સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્રક જમા કરાવી હતી.
ભરતી માટેની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગુરુવારે બપોરના સમયે ભરતી સમિતિની વેબસાઈટ પર વિદ્યાસહાયકોની ભરતી માટે પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવી હતી. વેબસાઈટ પર યાદી જાહેર કરવામાં આવ્યા બાદ હવે પ્રોવિઝનલ મેરિટ યાદીમાં ભૂલ હોય તો તે અંગે વાંધા અરજીઓ મંગાવવા માટે સૂચના આપી છે. જેમાં 25 ફેબ્રુઆરી સુધી વેબસાઈટ પર વાંધા અરજીની પ્રિન્ટ મુકવામાં આવશે અને અરજદારોએ પ્રિન્ટ મેળવી 27 ફેબ્રુઆરી સુધી જમા કરાવવાની રહેશે. જેમાં ભૂલ માટેના જરૂરી આધાર પુરાવા પણ રજૂ કરવાના રહેશે.