
મહાત્મા ગાંધીના અંતેવાસીઓમાંના એક ડૉ. ભોગરાજુ પટ્ટાભિ સીતારામૈય્યાનો જન્મ ૨૪ નવેમ્બર,૧૮૮૦ ના રોજ આંધ્રપ્રદેશના ગુંડુગોલાનુ ગામમાં તેલુગુ નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.ગામમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવી નોબેલ કોલેજમાંથી એક.એ. ની પરીક્ષા ઉત્તીર્ણ કરી મદ્રાસની મેડિકલ કોલેજમાંથી એમ.બી. અને સી.એમ. ની ઉપાધિ સાથે ડોકટર બન્યા.તે સમયે ચાલતી બંગભંગ સ્વદેશી અને બહિષ્કારની ચળવળથી તેઓ અલિપ્ત રહી શક્યા નહીં.ગાંધીજીના અહિંસક સત્યાગ્રહના પ્રચાર માટે તેમણે અંગ્રેજીમાં ‘ જન્મભૂમિ ‘ સાપ્તાહિક પણ શરૂ . કર્યુ.તેમણે ‘ રાષ્ટ્રીય મહાસભાનો ઇતિહાસ’ લખવાનું ભગીરથ કાર્ય કર્યું.જેને લીધે તેઓ ખૂબ પ્રસિદ્ધ બન્યા.જયપુરના કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે, મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે, ભારતલક્ષ્મી બેંકના સ્થાપક તરીકે, અને પત્રકાર તરીકે ડૉ. પટ્ટાલિની સુદીર્ઘ સેવાઓને વર્ષો સુધી ભારતના લોકો યાદ કરશે.પંદરથી વધુ પુસ્તકો તેમણે લખ્યા છે.તેઓ અંગ્રેજીના ઉત્તમ વક્તા તેમજ લેખક હતા.તેઓ સંસ્કૃત પણ લખી તેમજ બોલી પણ શકતા.કુલપતિની હેસિયતથી તેઓ પોતાનું ભાષણ સંસ્કૃતમાં જ આપતાં.એમની પાસે મનોરંજક સંસ્મરણોનો વિપુલ ભંડાર હતો.તેઓ બહુ વિનોદી હતા.બહુમુખી પ્રતિભાશાળી ડૉ. લોગરાજુ પટ્ટાભિ સીતારામૈય્યાનું ૧૭ ડિસેમ્બર,૧૯૫૯ ના રોજ ૭૯ વર્ષની વયે હૈદરાબાદ ખાતે અવસાન થયું હતું.તેમણે રાજકીય પ્રસિદ્ધિથી દૂર રહીને, ફક્ત રચનાત્મક કાર્ય પરત્વેજ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું એ બાબત જ તેમની મહાનતાની સૂચક છે.૧૭ ડિસેમ્બર,૧૯૯૭ ના રોજ ભારત સરકારનાં પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.