રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં વેકેશન લંબાવવા માંગ કરી છે. રાજ્ય શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખી વેકેશન લંબાવવા માંગ કરી છે. હીટવેવનાં કારણે શાળાઓમાં એક અઠવાડિયું વેકેશન લંબવવા માંગ કરવામાં આવી છે. તેમજ 13 જૂનનાં બદલે 20 જૂનથી શાળાઓ શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપી દિવસો સરભર કરવા માંગ કરી છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા લખેલ પત્રમાં જણાવ્યું હતું કે,
- છેલ્લા 15 દિવસથી ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં રેડ અલર્ટ અને યલો અલર્ટથી સૌ કોઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
- તેમજ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનની નામદાર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને હીટવેવને કુદરતી આફથ જાહેર કરવા વિનંતી કરેલ છે.
- યુપીમાં ચૂંટણી કામમાં રોકાયેલ 25 જેટલા કર્મચારીઓનું ગઈકાલે અવસાન થયેલ છે.
- ગુજરાતનાં ઘણા બધા જીલ્લાઓમાં પીવાનાં પાણીની તકલીફ ઊભી થયેલ છે અને તેનાં કારણે માણસો અને પશુઓ પણ ત્રાહિમામ પોકારી ગયેલ છે. તેમજ ગુજરાતનાં ડેમ તથા જળાશયોમાં પાણી ઓછું છે.
- ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભાની ખાલી પડેલ ચૂંટણીઓનાં કારણે આદર્શ આચારસંહિતાનાં લીધે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અરજીઓ નિર્ણય લીધા સિવાય પડતર પડેલ છે.
- જેથી તા. 13.06.2024 ને ગુરૂવારનાં બદલે તા. 20.06.2024 સુધી રાજ્યની તમામ જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાઓ અને સ્વનિર્ભરની તમામ શાળાઓનું ઉનાળું વેકેશન લંબાવવાની તાતી જરૂરીયાત છે.